Community Articles

Religion & Beliefs

પિતૃઓને યાદ કરવાના અને તર્પણના દિવસો એટલે શ્રાદ્ધપક્ષ

ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષના પંદર દિવસો પિતૃતર્પણના દિવસો કહેવાય છે. આ પંદર દિવસો દરમિયાન લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમની મૃત્યુતિથિએ શ્રાદ્ધ કરે છે. આ રીતે પિતૃઓનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચૂકવવામાં આવે છે. પિતૃપક્ષ શ્રાદ્ધ માટે નિશ્ચિત કરવામાં આવેલ પંદર તિથિઓનો સમૂહ છે. વર્ષ દરમિયાન કોઈપણ માસ કે તિથિએ પિતૃઓનો સ્વર્ગવાસ થયેલો હોય તો ભાદરવા વદ પક્ષની તે તિથિએ તેમનું શ્રાદ્ધ મનાવવામાં આવે છે. શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેઓ વર્ષભર પ્રસન્ન રહે છે.

પિતૃપક્ષમાં શ્રાદ્ધ તો મુખ્ય તિથિઓનું જ હોય છે પરંતુ તર્પણ તો દરરોજ કરવામાં આવે છે. દેવતાઓ અને ઋષિઓને અર્ઘ્ય આપ્યા પછી પિતૃઓને જળનો અર્ઘ્ય આપી તેમને તૃપ્ત કરવામાં આવે છે. આમ તો દરેક માસની અમાસ એ પિતૃઓની પુણ્યતિથિ છે. પરંતુ ભાદરવાની અમાસ એ પિતૃઓ માટે પરમ ફળદાયી છે. એજ રીતે પિતૃપક્ષની નોમ એ માતાના શ્રાદ્ધ માટે પુણ્યદાયી કહેવાય છે. પિતૃ શ્રાદ્ધ માટે ગયાતીર્થ સૌથી પવિત્ર મનાય છે. જ્યારે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર વધુ ઉત્તમ મનાયું છે. આ પુણ્ય ક્ષેત્રમાં માતૃ શ્રાદ્ધ કરવાથી પુત્ર પોતાની માતાના ઋણમાંથી સદાય મુક્ત થઈ જાય છે.પ્રાચીન કાળથી જ મનુષ્યોમાં શ્રાદ્ધ માટે ખૂબજ શ્રદ્ધા રહેલ છે.જે બુદ્ધિજીવી લોકો શ્રાદ્ધ કરે છે તેઓ તો યથા નિયમ અને વિધિસર તર્પણ કરતા રહે છે. મોટા ભાગના લોકો માત્ર રીતિરિવાજને ધ્યાનમાં રાખીને ફક્ત ઔપચારિક રીતે તે વિધિ પૂરી કરતા હોય છે.ખરેખરતો શાસ્ત્રોક્ત વિધિથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રાદ્ધ જ કલ્યાણકારી સાબિત થાય છે. માનવીએ સંજોગોને ધ્યાનમાં રાખીને વર્ષમાં એકવાર ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરવું જોઈએ. મૃત પૂર્વજોનો સંબંધ વિશેષ રીતે આપણી સાથે જોડાયેલ હોય છે. આથી જ શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલ છે.

આદિત્યપુરાણમાં લખેલ છે કે માણસો દુર્બુદ્ધિવશ પિતૃલોક અને પૂર્વજોને ન માનીને શ્રાદ્ધ કરતો નથી તે સતત દુઃખી રહે છે. જ્યારે કોઈ એકાગ્રચિત્ત થઈને શ્રાદ્ધ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને યોગીઓના પદને પ્રાપ્ત કરે છે. આ જગતમાં શ્રાદ્ધ કરવાવાળા માટે શ્રાદ્ધથી અન્ય કોઈ શ્રેષ્ઠ કામ નથી. આ હકિકતની પુષ્ટિ મર્હિષ સુમન્તુ દ્વારા કરવામા આવેલ છે. તેઓ કહે છે-શ્રાદ્ધાત્ પરતર નાન્યશ્રેયકર મુદ્ધાતમા તસ્માત્ સર્વ પ્રયત્નેન શ્રાદ્ધ કુર્યાત્ વિચક્ષણઃ  

અર્થાત્ આ જગતમાં શ્રાદ્ધથી વધુ કોઈ કલ્યાણકારી ઉપાય નથી. આમ બુદ્ધિશાળી મનુષ્યે પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધકર્મથી સંતુષ્ટ થઈને પિતૃઓ તેમના સંતાનોને આયુ,સંતતિ, ધન, વિદ્યા,સ્વર્ગ, મોક્ષ, સુખ વગેરે પ્રદાન કરે છે. શ્રાદ્ધની ઈચ્છા કરવાથી માનવ નિરોગી, સ્વસ્થ, ચિરાયુ, યોગ્ય સંતતિવાળા, ધનોર્પાર્જક બને છે. તેઓને પરલોકમાં સંતોષ મળે છે. આ ઉપરાંત લક્ષ્મીની વધુ પ્રાપ્તિ થાય છે. અત્રિ સંહિતામાં કહ્યું છે કે-પિતૃકાર્યે પ્રસક્તા યે યે યાન્તિ પરમગતિમઃ  અર્થાત્ જે પુત્ર, ભાઈ,પૌત્ર, દોહિત્ર વગેરે પિતૃકાર્યમાં સંલગ્ન રહે છે  તેઓ નિશ્ચિતરુપે પરમ ગતિને પ્રાપ્ત થાય છે.

બ્રહ્મપુરાણમાં પ્રતિપદાથી લઈને અમાવાસ્યા સુધી શ્રાદ્ધ કરવાના જુદા જુદા પલ બતાવેલ છે. આ ઉપરાંત બ્રહ્મપુરાણમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે જુદા જુદા નક્ષત્રોમાં શ્રાદ્ધ કરવાથી વિવિધ પ્રકારે ફળો મળતા હોય છે. ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધનો ઉલ્લેખ કરવામા આવેલો છે. નિત્ય,નૈમિત્તિક,કામ્ય,વૃદ્ધિ,સપિંડનમ્, પાર્વણ, ગોષ્ટિ, શુદ્ધચર્ય, કર્માડંગ , દૈવિક તેમજ પુષ્ટયર્થ પ્રકારના શ્રાદ્ધ બતાવેલ છે. નિયમિત રીતે કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ, એકોદિષ્ટ -પ્રસૂતિ શ્રાદ્ધને નૈમિત્તિક શ્રાદ્ધ ,સ્વાભિલષિત કાર્ય સિદ્ધ કરવામાં આવતા શ્રાદ્ધને કામ્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. વૃદ્ધિકાળ શ્રાદ્ધ જે પુત્ર જન્મ તેમજ વિવાહ વગેરે સમયે થાય છે. અમાવાસ્યા અથવા પૂર્વકાળમાં જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને પાર્વણ શ્રાદ્ધ કહેવાય છે. જે શ્રાદ્ધમાં પ્રેતપિંડનું પિતૃપિંડોમાં સંમિલન કરવામાં આવે તે સપિંડન શ્રાદ્ધ કહેવાય છે. ગોશાળામાં જે શ્રાદ્ધ થાય છે તે ગોષ્ઠિ શ્રાદ્ધ કહેવાય છે અને શુદ્ધિના નિમિત્ત જે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે તેને શુુદ્ધાયર્થ શ્રાદ્ધ કહે છે. ગર્ભાધાનમાં સિમન્તોનયનમાં જે શ્રાદ્ધ થાય છે તે કર્મડિંગ શ્રાદ્ધ કહેવાય છે. સપ્તમ્યાદિ તિથિઓમાં વિશિષ્ટ હવિષ્ય દ્વારા જેશ્રાદ્ધ થાય છે તે દૈવિક શ્રાદ્ધ  છે.

તીર્થાટનના ઉદેશ્યથી જે શ્રાદ્ધ થાય તે યાત્રાર્થ કહેવાય છે. આર્િથક અને શારીરિક ઉન્નતિ માટે થતા શ્રાદ્ધને પુષ્યર્થ શ્રાદ્ધ કહેવામાં આવે છે. જેમાનવી શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તે ક્યારેય દુઃખી થતો નથી. ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પિતૃઓને પિંડદાન કરનાર ગૃહસ્થ દીર્ઘાયુ, પુત્ર - પૌત્રાદિ, યશ, સ્વર્ગ,     બળ, લક્ષ્મી, સુખ - સમૃદ્ધિ વગેરે મેળવે છેેે. તે પિતૃઓની કૃપાથી સુખ - સૌભાગ્ય તો મેળવે જ છે સાથેસાથે  મોક્ષ પ્રાપ્તિનો પણ હકદાર બને છે. શ્રાદ્ધના દિવસે તર્પણ કરવાનું એટલે કે પિતૃઓને તૃપ્ત કરવાના છે. આપણા પૂર્વજોએ ધર્મ અને સંસ્કૃતિને ટકાવી રાખવા સતત પ્રયત્નો કર્યા હતા. આથી આપણે પણ એવું જીવન જીવીએ જેથી પૂર્વજોની આબરૃ અને પ્રતિષ્ઠા વધે. પિતૃઓને યાદ કરીને તેમના જીવનના સારા પ્રસંગોમાંથી પ્રેરણા મેળવવી જોઈએ. શ્રાદ્ધ નિમિત્તે આપણે આપણા જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ. શ્રાદ્ધ એક રીતે જોઈએ તો આપણી પરંપરાને યાદ કરીને તેને આગળ વધારવાની બાબત છે. પૂર્વજો શરીરથી હયાત નથી પણ તેમનાં કર્મો અને વિચારોએ જેમને ચિરંજીવ બનાવ્યા છે તે સૌને યાદ કરીને ધન્ય થવાનું છે.

આપણા પર દેવો અને ઋષિઓનું ઋણ છે. તે ઋણને દૂર કરવા માટે સૌએ પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવું જોઈએ. દેવનું સતત ધ્યાન,પૂજન અને સ્મરણ કરનારો તેમના ઋણમાંથી મુક્ત થઈ શકે છે. દેવ જેવા ગુણો સતત વિકસાવીએ તે બાબત આપણને ઋણમાંથી મુક્ત કરે છે. હજારો વર્ષ પછી પણ ભારતીય સંસ્કૃતિનો ડંકો વિશ્વમાં વાગી રહ્યો છે તેનંુ કારણ આપણા ઋષિ - મુનિઓ છે. તેમણે સંસ્કૃતિ અને ઉત્તમ વિચારોને ટકાવવા અને તેનો ફેલાવો કરવા ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. આજની પેઢીએ પણ તે માટે પ્રયત્નો કરવા જોઈએ. જે પિતૃઓએ આપણા સુખ માટે જે ત્યાગ કર્યા હતા તે ભૂલી જવાને બદલે યાદ કરતા રહીએ તો આપણે કૃતજ્ઞાતા બતાવી કહેવાય. પિતૃઓએ સતત આપણા પર ઉપકાર કર્યા તેમને તૃપ્તિ થાય તે માટે બધંુ કરી છૂટવું જોઈએ. જો પિતાની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તેને પૂરી કરવી એ પુત્રની ફરજ બને છે. જે સંતાનો પોતાનાં પિતા અને પૂર્વજોના વિચારોને તેમજ ધ્યેયને આગળ વધારે છે તે તેને માટે સાચું તર્પણ બની રહે છે.

આજના જમાનામાં જે રીતે પશ્ચિમી સંસ્કૃતિ ભારતીય સમાજ પર હાવી થઈ રહી છે તેને લીધે આપણે મૂળ પરંપરાઓથી દૂર થતા જઈએ છીએ. ઘણા લોકો શ્રાદ્ધની મશ્કરી કરતા હોય છે. આ પ્રકારના લોકો ભારતના લોકોના જીવનનો મર્મ સમજી શક્યા નથી. તેઓ એવું કહે છે કે મૃત્યુ પામેલ પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરી શકાય ? તેવા લોકોને જવાબ છે કે જો ભારતમાં બેસીને ઈન્ટરનેટના માધ્યમથી અમેરિકામાં વેબ કેમેરા પર તમે ભારતના હાલચાલ જોઈ શકતા હો તો ભાવના અને શ્રદ્ધાથી કહેલા શબ્દો અને કરેલ તર્પણ કેમ ન પહોચી શકે ? શ્રદ્ધાનો વિષય હોય તેને પુરાવાની કોઈ જરૃર હોતી નથી, મિત્રો 

 

Dated 2010-07-07 | Posted by Admin | From Bangalore

Other Religion & Beliefs Articles