Community Articles

Health & Wellness

આટલું ધ્યાન રાખો અને ગરમીને ગૂડ બાય કહો

આટલું ધ્યાન રાખો અને ગરમીને ગૂડ બાય કહો

ઉનાળા દરમિયાન સૂર્યપ્રકાશ, ગરમ હવા અને પસીનાને કારણે હીટ સ્ટ્રોક, પેટની બીમારીઓ અને સ્કિનને લગતી સમસ્યાઓ જોવા મળે છે.

એક્સપર્ટનું માનવું છે કે લાઇફ સ્ટાઇલમાં થોડોક બદલાવ કરીને અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીને ગરમીને ગૂડબાય કરી શકાય છે.

લૂ લાગવી (હીટ સ્ટ્રોક, સન સ્ટ્રોક)

ઉનાળામાં ચામડી બાળી નાખતા તાપ અને લૂને કારણે હીટ સ્ટ્રોક આવે છે. આ વખતે મોટાભાગના વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં વધારે સમય બહાર ખુલ્લામાં રહેવાથી જોખમ થઇ શકે છે. લૂ લાગવાથી શરીરનું સંતુલન બગડી જાય છે શરીર ઓવરહીટ થઇ જાય છે. આને કારણે શરૂઆતમાં પસીનો વધારે આવે છે. ઘણી વાર શરીરમાંથી પાણી ઘટી જવાથી ડી-હાઇડ્રેશનની સમસ્યા પણ થાય છે. પોટેશિયમ અને સોડિયમની કમીને કારણે દર્દીને કમજોરી અને ગભરામણનો અનુભવ થાય છે.

ઘણીવાર લૂઝ મોશન્સ અને ઉલટી થવાથી અને સતત ફ્લુઇડ નહીં લેવાથી શરીરમાં પાણી અને સોડિયમ ઘટી જાય છે અને ડી-હાઇડ્રેશન થાય છે.

આવી રીતે સર્જાય છે સમસ્યા

સ્કિન જ્યારે સતત ગરમ હવાના સંપર્કમાં રહે ત્યારે તેની નીચેની નસોમાં વહેતું રક્ત પણ ઝડપથી ગરમ થાય છે. જ્યારે બહારના વાતાવરણને કારણે શરીરનું અંદરનું તાપમાન વધી જાય ત્યારે હાઇપોથેલેમસ ગ્રંથિ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકતી નથી. છેવટે મગજ કામ કરતું બંધ થાય છે અને દર્દીને આંચકી આવે છે.

લક્ષણ: તાવ આવવું, પસીનો આવતો બંધ થાય, ગરમ અને સૂષ્ક ત્વચા, 7થી 8 કલાક સુધી પેશાબ ના આવે, થાક લાગે, માથામાં અને પેટમાં દુઃખાવો, આંખોમાં બળતરા, વારેઘડીએ વોમિટ અને ઝાડા થવા, હૃદયના ધબકારા વધવા, વર્તનમાં ફેરફાર, ગુસ્સો આવવો, મૂંઝવણ થવી, ઊંડા શ્વાસ લેવા અને તબિયત બગડતા બેહોશીનો અનુભવ થવો. આ બધામાંથી કેટલાક પણ લક્ષણ જોવા મળે તો તાત્કાલીક ડોકટર પાસે પહોંચી જવું જોઇએ. જો શરીરનું તાપમાન 104 ડિગ્રી ફેરનહીટથી વધારે હોય તો સમજવું કે સ્થિતિ ગંભીર છે.

સાવધાની અને બચાવ

 

- ઘરથી બહાર નીકળો ત્યારે પાણીની બોતલ સાથે રાખવી અને થોડી થોડી વારે પાણી પીતા રહેવું

-
ભૂખ્યા પેટે બહાર જવું નહીં

-
જો રૂમમાં A/Cના ચાલતું હોય તો બારીઓ અને દરવાજો ખોલી નાખવો.
ઓછી હવાથી પણ હીટ સ્ટ્રોક થઇ શકે છે

-
તડકામાંથી અંદર પહોંચ્યા પછી સાદુ પાણી પીવાને બદલે લીંબુ પાણી, શિકંજી, નારિયેળ પાણી, લસ્સી, છાશ, ઠંડાઇ, ખસનું શરબત કે જલજીરા વગેરે પીવું જોઇએ

-
ઝાડા થયા હોય ત્યારે સાદા પાણીને બદલે લીબું અને મીઠું અથવા ખાંડવાળું પાણી અથવા ORS પીવું જોઇએ.

જમવામાં ધ્યાન રાખો

-
ગરમીઓમાં શક્ય હોય ત્યાં સુધી લો કેલેરી ડાયટ લો અને જેટલી ભૂખ લાગી હોય તેનાથી ઓછું ખાવું જોઇએ

-
રસ્તા પર ખુલ્લી મુકેલી વસ્તુઓ ખાવાનું ટાળો

-
ઓછા તેલવાળી, શેકેલી વસ્તુઓ ઉપરાંત હળવો ખોરાક લેવો જોઇએ. કારણ કે આ સીઝનમાં ભોજન જલ્દી પચતું નથી

-
વાસી ભોજન ખાવું નહીં

-
અગાઉથી રાંધેલા ખોરાકને ફ્રિઝમાં જ રાખો અને એજ દિવસે વાપરો

-
દહીં શક્ય એટલું વધારે ખાવું જોઇએ. તે પેટમાં ઠંડક રાખવાની સાથે ત્વચા માટે પણ લાભદાયક છે

-
લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી વગેરે સતત પીવો

-
ગોળનું શરબત પણ લાભદાયક રહે છે

-
ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી પણ લાભ થાય છે

પ્રવાસમાં આટલું ધ્યાન રાખો

- બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બારી બંધ રાખો

-
તો સતત તડકામાં જ ચાલવાનું હોય તો માથુ ઢાંકી રાખો.
કાન-નાક અને ચહેરા પર સુતરાઉ કપડું બાંધો જેથી લૂ લાગે નહીં

-
છત્રી લઇને નીકળો. માથે ટોપી અને આંખો પર ચશ્મા રાખો

-
થાક ખાવા છાયડાંમાં ઊભા હો ત્યારે ગરમ હવાના સીધા સંપર્કથી બચવું

- AC
થી નીકળીને તરત જ તાપમાં જવું નહીં. પાંચ મિનિટ સુધી AC વગરની છાયડાંવાળી જગ્યાએ ઊભા રહેવું. જો તમે ઠંડકમાંથી નીકળીને તરત જ ગરમીમાં જશો તો શરીરનું તાપમાન બગડી થાય છે અને શરદી થઇ શકે છે

-
કારમાંથી બહાર નીકળવું હોય તેની 5 મિનિટ પહેલા AC બંધ કરવું

-
પ્રવાસ દરમિયાન શક્ય ત્યાં સુધી પ્રવાહી ખોરાક લેવો જોઇએ

પ્રાથમિક સારવાર

ડોકટર પાસે પહોંચતા પહેલા દર્દીની દેખભાળ શરૂ કરી દેવી જોઇએ. કારણ કે પહેલા બે કલાક સારવાર માટે મહત્વપૂર્ણ હોય છે. અહીં પ્રાથમિક સારવારની કેટલીક ટિપ્સ આપી છે.

-
લૂ લાગે ત્યારે દર્દીને ઠંડી અથવા છાયડાવાળી જગ્યાએ લઇ જાઓ

-
દર્દીને ચત્તો સૂવાડો અને માથા નીચે ઓશિકું રાખો

-
શરીરનું તાપમાન ઘટે તેવા પ્રયાસ કરવા

-
ગળુ, છાતી અને કમરના ભાગના કપડાં ઢીલા કરવા

-
પંખો ચલાવવો અથવા હાથથી હવા આપવી

-
ટોળું દૂર કરવું જેથી હવા આવે

-
શરીરનું તાપમાન ઘટે ત્યાં સુધી ઠંડુ પાણી છાંટો અથવા સ્પંજ કરો

-
દર્દીને તરત જ ડોકટર પાસે લઇ જાઓ જેથી શરીરના તાપમાનના હિસાબે તેને ICUમાં રાખવાની જરૂર થઇ શકે છે

પેટને લગતી બીમારીઓ

ગરમીમાં વાસી ખોરાક અથવા ખરાબ વસ્તુઓ ખાવાથી અને ગંદુ પાણી પીવાથી થતાં ઇન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે. તેનાથી ડાયરિયા, ટાઇફોઇડ અથવા કોલેરા જેવો રોગચાળો વધી શકે છે. આ રોગોની શરૂઆત ઝાડા-ઉલટી (ડાયરિયા)થી થાય છે. જો આ સ્તરે જ બીમારીને કંટ્રોલ કરી લેવાય તો સમસ્યા ગંભીર થતી નથી.

ડાયરિયાના બે પ્રકાર હોય છે. પાણીમાં વાયરસ અને બેક્ટેરિયા પેરાસાઇટ વધતા શરીર પ્રવાહીનું પાચન કરી શકતું નથી. આ સ્થિતિને વોટરી ડાયરિયા કહે છે. ઉકાળવાથી બેક્ટેરિયા મરી જતા હોવાથી પાણી ઉકાળીને પીવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

પ્રદૂષણને કારણે ખાવાની વસ્તુઓમાં ટોક્સિન વધતા ઇન્ફેક્ટિવ ડાયરિયા થાય છે. ટોક્સિન ઉકાળવાથી પણ નષ્ટ થતાં. તે મોટેભાગે દુધની બનાવટો અને નોન-વેજમાં જોવા મળે છે. રક્ષણ માટે તાજા દુધ અને માખણનો ઉપયોગ કરવો અને નોન-વેજ ખાવું નહીં. વારંવાર ઉલટી- ઝાડા, શરીરમાં કળતર, કમજોરી અને આળસ, તાવ તથા માથામાં દુઃખાવા જેવા લક્ષણ થઇ શકે છે.

ઉપચાર

ઝાડા-ઉલટી થાય ત્યારે ORS સતત પીવું જોઇએ કારણ કે પાણી અને ગ્લૂકોઝની કમીથી દર્દી ડી-હાઇડ્રેશનનો ભોગ બને છે. ઇન્ફેક્શન વધવાથી દર્દીને કોલેરા થઇ શકે છે. બ્લડ પ્રેશર ઘટતાં દર્દીની સ્થિતિ ગંભીર થઇ શકે છે માટે શક્ય એટલી ઝડપે તેને ડોકટર પાસે લઇ જાઓ. અહીં આપેલી કેટલીક ટિપ્સને અનુસરો અને બીમારીથી બચો.

-
સ્વચ્છતાનું ધ્યાન રાખો

-
જમતાં પહેલા અને જમ્યા પછી સાબુથી હાથ ધુઓ

-
હંમેશાં ઘરમાં બનેલી તાજી વસ્તુઓ આરોગો

-
હેન્ડપંપ અથવા લારીનું પાણી પીવું નહીં

-
પીવાના પાણીમાં ક્લોરિનની ગોળી મેળવો અને પાણી ઉકાળીને પીવાનું રાખો

-
ભોજનને બરોબર રાંધો

-
ખુલ્લામાં વેચાતા સમારેલા ફળ, સલાદ, પાણીપુરી, ચાટ, શેરડીનો રસ અને મેંગો શેકને ટાળો

-
ગરમીમાં દરરોજ 10થી 12 વાગ્યા સુધી પાણી જૂસ, રસ, નારિયેળ પાણી વગેરે જેવું લિક્વિડ લો

-
સ્વચ્છતાની ગેરંટી હોય ત્યારે જ ફ્રૂટ જૂસ બહાર પીજો

આ રોગથી આંખ ના મિલાવતા

ઉનાળામાં આંખોની સમસ્યા પણ વધે છે. રક્ષણ માટે સાફ-સફાઇનું ધ્યાન રાખવું જરૂરી છે. સમસ્યા હોય ત્યારે આંખોને તાજા અને સ્વચ્છ પાણી અથવા બોરિક એસિડથી દિવસમાં બેથી ત્રણ વખત ધોવી. આંખ મસળવી નહીં તેનાથી રેટિનાને નુકસાન થઇ શકે છે. જાતે ઇલાજ કરવાને બદલે ડોકટર પાસે પહોંચો.

કંજંક્ટિવાઇટિસ ત્રણ પ્રકારનો હોય છે : વાયરલ, એલર્જિક અને બેક્ટેરિયલ

લક્ષણથી ઓળખોવાયરલ કંજંક્ટિવાઇટિસ : આંખોમાંથી પાણી નીકળવું, ખંજવાળ થવી અથવા આંખ લાલ થવી. સામાન્ય રીતે આ ઇન્ફેક્શન પહેલા એક આંખમાં થાય છે પછી બીજીમાં પણ ફેલાય છે.

એલર્જિક કંજંક્ટિવાઇટિસ : આંખોમાંથી સતત પાણી નીકળવું, ખંજવાળ, બળતરા અને સોજો આવવો. તે બન્ને આંખમાં થાય છે.

બેક્ટેરિયલ કંજંક્ટિવાઇટિસ : આમાં બીજા લક્ષણોની જેમ આંખોમાંથી ઘટ્ટ પ્રવાહી નીકળે છે. ઘણી વખત ઉંઘમાં જાગો ત્યારે પાંપણ એકબીજા સાચે ચોંટી જાય છે.

ઉપચાર - રક્ષણ

- દરવાજાનો હેન્ડલ, ટેલિફોનનો રિસિવર વગેરે ઇન્ફેક્ટેડ ના થાય તેનું ધ્યાન રાખો

-
ચહેરા અને આંખોને વારંવાર હાથ લગાવવો નહીં

-
હાથોને વારંવાર સાબુથી સાફ કરો

-
પોતાની રૂમાલ, ચશ્મા, ટોવેલ સહિતની વસ્તુઓ બીજાને આપવી નહીં

સ્કીનની સમસ્યા

ગરમીમાં ફંગલ ઇન્ફેક્શન, અળાઇ અને સનબર્ન જેવી સમસ્યાઓ સામાન્ય છે. તેનાથી બચવા માટે નિષ્ણાતની સલાહ વગર કોઇ ક્રીમ વગેરે વાપરવી નહીં. તેનાથી સ્કીન કાળી પડી શકે છે.

સમસ્યાનું કારણ ગરમીમાં શરીરમાંથી પસીનો વધારે નીકળે છે. તેને કારણે વાતાવરણમાં રહેલી ધૂળના રજકણ શરીર પર ચોંટી જાય છે. સફાઇના અભાવે ત્યાં ઇન્ફેક્શન અને અળાઇ થાય છે. ઘણી વખત આ ઇન્ફેક્શન સ્કિન કેન્સરનું રૂપ પકડે છે. આ સીઝનમાં હાથ અને પગની આંગળીઓની વચ્ચેના ભાગની સફાઇ કરવી જોઇએ. વધારે વાર તાપમાં રહેવાથી ત્વચાનો રંગ ઝાંખો પડવા સહિતની સમસ્યા થાય છે. જો કે ઉજળા વાનની વ્યક્તિઓને આ સમસ્યા વધારે સતાવે છે.

કેવી રીતે બચશો...

- ઇન્ફેક્શનથી બચવા માટે દિવસમાં બે વખત બરોબર સ્નાન કરો. સાબુથી એલર્જી હોય અથવા સ્કીન ડ્રાય થવાનો ડર હોય તો બેસનનો ઉપયોગ કરવો

-
હાથ અને પગની આંગળીઓ વચ્ચેના ભાગને સાફ કરો

-
તડકામાં નીકળો ત્યારે શરીર ઢાંકતા વસ્ત્રો પહેરો

-
કોટનના સફેદ અથવા હળવા રંગવાળા મુલાયમ કપડાં પહેરો. કોટન સ્કીનને નુકસાન કરતું નથી.

- કેટલા SPFવાળી સ્કીન ક્રીમ લગાવવી તેની માહિતી એક્સપર્ટથી જાણવી

- બહાર તડકામાં જવું હોય ત્યારે શરીરના ખુલ્લા ભાગ પર સનસ્ક્રીન ક્રીમ લગાડો.
તેની અસર 3થી 4 કલાક સુધી રહે છે

-
છત્રી લઇને બહાર નીકળો

ઘરેલુ ઉપચાર...

સ્કીન પર મુલતાની માટી અથવા લેક્ટોકેલામાઇનનો લેપ લગાવો

વિટામિન-C વાળો ખોરાક જેમ કે લીંબુ, ટામેટા, સંતરા વગેરે ખાવાથી સ્કીન ઇન્ફેક્શનથી બચી શકાય

એલોવીરાનો લેપ લગાવવાથી રાહત રહે છે

દહીંમાં લીંબુનો રસ અને હળદર મેળવી લગાવવાથી ટેનિંગ ઘટે છે

બેસનમાં હળદર, લીંબુ, દહીં અથવા ગુલાબજળ મેળવી લેપ કરો

ખીરું, પપૈયું અને કેળું મસળીને સ્કીન પર લગાવવાથી ફાયદો થાય છે

આંખોની બળતરા ઘટાડવા માટે કાકડીના ટુકડા આંખો પર રાખી મૂકો

કેટલાક ભ્રમ અને સચ્ચાઇ...

પેરાસિટામોલઃ આ દવા દરેક સીઝનના તાવને દૂર નથી કરતી. ગરમીમાં તાવ આવે ત્યારે આ કારગર સાબિત થતી નથી. પેરાસિટામોલ પસીનાની ગ્રંથિઓને ખોલવાનું કામ કરે છે. જ્યારે ગરમીમાં આ કાર્ય પોતાની મેળે શરીર કરી લે છે. માટે તાવની દવા ડોકટરની સલાહ પ્રમાણે જ લેવી જોઇએ.

પીળાશઃ ગરમીના દિવસોમાં કિડની પાણીની વધારે બચત કરે છે જેથી પેશાબ પીળાશ પડતું આવે ત્યારે લોકો તેને કમળો માની લે છે જ્યારે આ સામાન્ય બાબત છે. જો કે પીળાશ દર્શાવે છે કે તમારે વધારે પાણી પીવાની જરૂર છે.

ઠંડા પાણીના પોતાં મૂકવાઃ શરીર વધારે ગરમ થાય ત્યારે પાણીના પોતાં મૂકવાની સલાહ અપાય છે. પણ જ્યાં સુધી તમે પોતું ગરમ થતાં જ શરીર પરથી હટાવો નહીં તો તે ફાયદેમંદ નથી. પોતું દૂર કરશો તો પાણી શરીરની ગરમી લઇને વરાળરૂપે ઉડી જશે.

ભારે તાપમાં નહાવું: કહેવાય છે કે ભારે તાપમાંથી આવ્યા પછી નહાવાથી લૂ લાગે છે. તે સાચુ નથી. નહાવાથી શરીરનું તાપમાન બેલેન્સ થાય છે. જોકે બહુ ઠંડા પાણીથી પણ નહાવું જોઇએ નહીં.

ભોજનમાં સંભાળઃ ખાવાની કેટલીક વસ્તુઓ ગુણધર્મ પ્રમાણે ઠંડી અને ગરમ કહેવાય છે. વૈજ્ઞાનિક રીતે તે સાચુ નથી. દરેક વસ્તુ સીઝન પ્રમાણે અસર કરે છે. જે સીઝનમાં જે વસ્તુ વધારે મળે છે તે ફાયદાકારક હોય છે. સીઝન પ્રમાણેની શાકભાજી અને ફળ આરોગો

સ્કીનની બીમારી: કહેવાય છે કે ખાટી વસ્તુ અને ગળી વસ્તુ એકસાથે ખાવાથી ત્વચાને લગતા રોગ થાય છે. તે સાચુ નથી. આ બન્ને વસ્તુઓ એકસાથે ખાવાથી કોઇ નુકસાન થતું નથી

સર્જરી: ઉનાળામાં આંખોની સર્જરી કરાવવી જોઇએ નહીં, એ એક ભ્રમ છે. આંખોની સર્જરી કોઇપણ સીઝનમાં કરાવી શકાય છે. કારણ કે હોસ્પિટલ અને ઓપરેશન થિયેટર યોગ્ય તાપમાને ડિઝાઇન થયેલા હોય છે.

યોગા અપાવશે રાહત

કેટલાક યોગાસન અને પ્રાણાયામ ગરમીમાં પણ ફાયદાકારક હોય છે. તેમાં શીતલી પ્રાણાયામ, શવાસન અને સર્વાંગાસન મહત્વપૂર્ણ છે.
યોગા અપાવશે રાહત
શીતલી પ્રાણાયામ: પલાઠી મારીને આરામથી બેશો અને જીભને વાંસળી આકારમાં વાળીને બહાર કાઢો. ધીરે ધીરે બહારના ભાગના ઉપરથી હવાને ખેંચીને ફેફસા સુધી શ્વાસ ભરી મોં બંધ કરી લો. થોડી વાર સુધી શ્વાસ રોકી રાખો પછી તેને નાકથી બહાર કાઢો. જ્યારે પણ ગરમી લાગે અથવા બહુ તરસ લાગે અને પાણી ના મળે તો પ્રાણાયામ કરવું જોઇએ. 5થી 7 વખત આમ કરવાથી રાહત મળશે.

ધ્યાન રાખો: જે લોકોને શર્દી-ખાંસ અથવા અસ્થમાની સમસ્યા હોય તેમણે આ પ્રાણાયામ કરવું નહીં

 

Dated 0000-00-00 | Posted by Admin | From Bangalore

Other Health & Wellness Articles